Skip to main content

હરિ તારા નામ છે હજાર

(August 2004)

જન્માષ્ટમી મહોત્સવ એટલે શ્રીકૃષ્ણનો પ્રાગટય દિન. શ્રીકૃષ્ણ એટલે હરિ, વિષ્ણુ, દત્ત, યોગેશ્વર, જગદગુરુ, ભગવાન, પરમાત્મા ...

બ્રહ્માજીના માનસપુત્ર અત્રિ ઋષિ. તેમને ત્યાં શ્રીદત્ત-દુર્વાસા અને ચંદ્રમા પ્રગટયા. ભવિષ્ય પુરાણ પ્રતિસર્ગ પર્વ અધ્યાય-૨ મુજબ - ચંદ્રદેવે ૧૮,૦૦૦ વર્ષ રાજય કર્યુ. ચંદ્રની ચોથી પેઢીએ આયુ રાજા, સાતમી પેઢીએ યદુ રાજા અને ઓગણીસમી પેઢીએ અલર્ક રાજા થયા. આ બધા "ચંદ્રવંશી" કહેવાયા. આયુ રાજાના પિતા પુરુ રાજાએ ૧૪,૦૦૦ વર્ષ અને પોતે ૩૬,૦૦૦ વર્ષ રાજય કર્યું. ચંદ્રવંશી સહસ્ત્રાર્જુને ૮૫,૦૦૦ વર્ષ રાજય કર્યું. આવા તો અસંખ્ય રાજા થઈ ગયા. તેના પહેલા સાધ્ય દેવ, કાતિર્કય, પરશુરામ, પ્રહલાદ વગેરે થયા. બધાને બોધ આપ્યો સદગુરુ દત્ત ભગવાને.

યદુ વંશમાં શ્રીકૃષ્ણ પણ પ્રગટયા. શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નને અંદાજે પાંચેક હજાર વર્ષ પહેલા સદગુરુ દત્ત ભગવાને બોધ આપ્યો અને વિક્રમ સવંત ૨૦૩૨ (ઇ.સ. ૧૯૭૫) માં ૫.પૂ. પુનિત બાપુશ્રીને દર્શન સાથે દિક્ષા આપી. આમ, આદિ-અનાદિ તે સદગુરુ દત્ત કે જેઓ મહા પ્રલય સુધી રહેવાના છે.

ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીદત્ત એક જ છે. શ્રીદત્તાત્રેય પોતે શ્રીવિષ્ણુ અને શ્રીકૃષ્ણનું જ અવધૂત યોગી સ્વરુપ છે. શ્રીકૃષ્ણના બે સ્વરુપ છે. એક ઐતિહાસિક અવતારી શ્રીકૃષ્ણ, જેમણે દુષ્કૃતોના વિનાશ માટે જન્મ લીધો અને ધર્મની પુનઃ સ્થાપના કરી. બીજા અધ્યાત્મ પુરુષ શ્રીકૃષ્ણ જે સર્વસંપન્ન છે, જેની અંદર બધું જ છે. જેની બહાર કંઈજ નથી. જે પરબ્રહ્મ ચૈતન્ય સ્વરુપે સમગ્ર બ્રહ્માંડના અધિષ્ઠાતા છે. ઐતિહાસિક શ્રીકૃષ્ણે અનેક પાઠો ભજવ્યા પરંતુ તેમનું મૂળ સ્વરુપ તો યોગીનું હતું. તેથી આપણે તેમને યોગેશ્વર અને જગદગુરુ કહ્યા છે. શ્રીકૃષ્ણ ભગવાન બહુજન સમાજ સમક્ષ પીળાં પીતાંબર અને મોરપીંછ મુગટ વગેરે આભૂષણોનો પહેરવેશ કર્યો પરંતુ પોતાના આપ્તજનો-ઋષિઓ-મુનિઓ-યોગીઓ સમક્ષ તેમનું મૂળ અવધૂત દિગંબર દત્તાત્રેયનું સ્વરુપ બતાવ્યું. આમ, શ્રી દત્તાત્રેય એ શ્રીકૃષ્ણ છે.

શાસ્ત્રો અને સંતો પણ આ બાબતની પૃષ્ટિ રુપે શ્રી હરિની મહિમા ગાતા કહે છે કે -

  • दत्तात्रेय हरे कृष्ण उन्मत्तानन्दायका ।
    दिगम्बर मुने बाल पिशाच ज्ञानसागर ॥ (દત્તાત્રેય ઉપનિષદ)

  • दत्तात्रेयो महायोगी भगवान भूतभावन: ।
    चतुर्भुजो महाविष्णुर्योग साम्राज्य दीक्षित: ॥ (જાબાલદર્શન ઉપનિષદ)

  • ભવભયહારક શ્રી હરિ, પ્રણમું વારંવાર,
    જન્મમરણ ટાળી વિભો, કરો શીઘ્ર ભવપાર. (દત્તશતક)
  • दत्तात्रेय कृष्ण हरे पाहि पाहि माम् ।
    तत्यदेऽपित्वमसि व्याप्त त्वंयदेऽपि त्वमहि आप्त ॥

  • दत्तस्तु भगवान स्वयं

  • कदा योगी कदा भोगी कदा नग्न पिशाचवृत ।
    दत्तात्रेयो हरिः साक्षादभुक्ति मुक्तिप्रदायकः ॥
    કયારેક યોગી વેશમાં, કયારેક ભોગી વેશમાં, ક્યારેક નગ્ન પિશાચની જેમ ફરનાર દત્તાત્રેય ભોગ અને મોક્ષ આપવામાં સમર્થ સાક્ષાત્ વિષ્ણુ છે.

  • दत्तात्रेयोऽपि विषयान योगस्थो बुभुजे हरिः ।
    વિષ્ણુ સ્વરુપ દત્તાત્રેયે યોગ રુપ થઈ વિષયોપભોગ કર્યો હતો.

  • દત્તાત્રેય ઉપનિષદના આરંભમાં ભગવાન શ્રીવિષ્ણુ વિશ્વાત્મા બ્રહ્માજીને પોતાના દત્ત સ્વરુપનું ધ્યાન કરવાનું કહે છે :
    दत्तोडहमस्मीति प्रत्येतत्संवदन्ति येन ते संसारिणो भवन्ति
    नारायणेनैवं विविक्षितो ब्रह्मा विश्वरुपधरं विष्णुं नारायणं
    दत्तात्रेयं ध्यात्वा सदूदति ।

  • શ્રીદત્ત-યદુરાજા સંવાદ તો જગજાહેર છે. શ્રીકૃષ્ણના દાદાગુરુ તે યદુ. આજે વાત કરવી છે શ્રીદત્ત અને શ્રીકૃષ્ણકુમાર પ્રદ્યુમ્નની.

    શ્રી ગર્ગ સંહિતા વિશ્વજીત ખંડના અધ્યાય-૧૪ માં શ્રી નારદજી વિભિષણને કથા સંભળાવી રહ્યા છે. તે માણીએ... એક વખત કામદેવ સ્વરુપ પ્રદ્યુમ્ન વિશાળ યાદવ સેના સાથે સહ્યાદ્રી પર્વતના દેશમાં ગયા. તે વખતે તેમની સેના તરફ એક ખુલ્લી જટાવાળા દિગંબર અવધૂત દોડતા આવતા હતા. તેઓશ્રીનું શરીર હુષ્ટ-પુષ્ટ હતું સાથોસાથ ધૂળ ભરેલું હતું. બાળકો તેમની પાછળ દોડી રહ્યા હતા અને તાળીઓ પાડતા કોલાહલ કરતા હસતા હતા. અવધૂતને જોઈ બુધ્ધિમાનમાં શ્રેષ્ઠ એવા શ્રીકૃષ્ણકુમાર પ્રધુમ્ને ઉધ્ધવજીને પુછ્યું.

    પ્રધુમ્ન બોલ્યાઃ આ હુષ્ટ-પુષ્ટ શરીરવાળા કયા પુરુષ બાળક, ઉન્મત્ત અને પિશાચની જેમ ભાગી રહ્યા છે ? લોકો તિરસ્કાર કરે છે છતાં હસે છે અને અત્યંત આનંદિત દેખાય છે. (૫-૬)

    ઉધ્ધવ બોલ્યા : આ પરમહંસ અવધૂત શ્રીહરિના કલાવતાર સાક્ષાત મહામુનિ દત્તાત્રેય છે જે સદા આનંદિત જ હોય છે. તેમની કૃપાથી પૂર્વજ એવા શ્રેષ્ઠ રાજા સહસ્ત્રાર્જુન તથા યદુ અને પ્રહલાદ વગેરે પરમ સિધ્ધિને પામ્યા છે. (૭-૮)

    નારદજી બોલ્યા : હે રાજા! આ સાંભળી યદુકુળ તિલક એવા પ્રધુમ્ને મુનિની પૂજા અને વંદના કરી દિવ્ય આસન પર બેસાડી તેમને પ્રશ્ન પુછ્યો. (૯)

    પ્રધુમ્ન બોલ્યા : હે ભગવાન ! મારા હૃદયમાં એક સંશય છે. હે પ્રભુ ! તેનો નાશ કરો. જગતનું સ્વરુપ શું છે ? બ્રહ્મનો માર્ગ કયો છે તથા તત્ત્વ શું છે ? આ બધુ મને સારી રીતે સમજાવો. (૧૦)

    ભગવાન દત્તાત્રેય બોલ્યા : જયાં સુધી અંધકારને લીધે વસ્તુ દેખાતી નથી ત્યાં સુધી જ ઉલ્કા કે મશાલની જરુરત પડે છે. જયારે મહાનન્દ વશમાં થઈ જાય ત્યારે ઉલ્કાની શી જરુરત છે ? સાધુ ! જગત ત્યાં સુધી જ ટકી રહે છે જયાં સુધી તત્ત્વનું જ્ઞાન થતું નથી. પરબ્રહ્મ પરમાત્માનું જ્ઞાન કે પ્રાપ્તિ બાદ જગતનું કઈ પ્રયોજન નથી. જેવી રીતે મુખનું પ્રતિબિંબ દર્પણમાં દેખાય છે પણ વાસ્તવમાં તે શરીરથી અલગ જ છે તેવી રીતે પ્રધાન અર્થાત્ પ્રકૃતિમાં પ્રતિબિંબિત ચૈતન્ય જીવ છે, પરંતુ જ્ઞાનના પ્રકાશમાં તે પરાત્પર પરમાત્મા સિધ્ધ થાય છે. જેવી રીતે સૂર્યોદય થતા સમગ્ર વસ્તુઓ આંખથી જોઈ શકાય છે તેવી રીતે જ્ઞાનોદય થતા બ્રહ્મ તત્ત્વનો સાક્ષાત્કાર થાય છે. પછી તો ક્યાંય જીવ દેખાતો નથી (૧૧–૧૪)

    નારદજી બોલ્યા : હે રાજા ! આ પ્રમાણે ઉપદેશ સાંભળી યાદવરાજ પ્રધુમ્ને તેમને પ્રણામ કરી સેના સાથે વૈકુંઠાચલ (વૈકંટાચલ) ગયા. (૧૫)

પરમપિતાના દિગંબર રુપ શ્રીદત્ત અને અલંકૃત રુપ શ્રીકૃષ્ણની લીલા માટે લાલાજી, આપની જય હો..


~ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ



"ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીદત્ત એક જ છે. શ્રીદત્તાત્રેય પોતે શ્રીવિષ્ણુ અને શ્રીકૃષ્ણનું જ અવધૂત યોગી સ્વરુપ છે. શ્રીકૃષ્ણના બે સ્વરુપ છે. એક ઐતિહાસિક અવતારી શ્રીકૃષ્ણ, જેમણે દુષ્કૃતોના વિનાશ માટે જન્મ લીધો અને ધર્મની પુનઃ સ્થાપના કરી. બીજા અધ્યાત્મ પુરુષ શ્રીકૃષ્ણ જે સર્વસંપન્ન છે, જેની અંદર બધું જ છે. જેની બહાર કંઈજ નથી. જે પરબ્રહ્મ ચૈતન્ય સ્વરુપે સમગ્ર બ્રહ્માંડના અધિષ્ઠાતા છે. ઐતિહાસિક શ્રીકૃષ્ણે અનેક પાઠો ભજવ્યા પરંતુ તેમનું મૂળ સ્વરુપ તો યોગીનું હતું. તેથી આપણે તેમને યોગેશ્વર અને જગદગુરુ કહ્યા છે"

~(ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ)



Krishna Janmashtmi Dattatrey Punitachariji Maiyashree ShailajaDevi Spontaneous Meditation